રહી રહી તારી રે અંદર, તારી ઉપર, હવે એ તો રાજ કરે છે
કરી ભૂલ વસાવી એને તારી અંદર, ગુલામી આજ તું એની કરે છે
લાગ્યું પહેલાં મીઠું, ઝેર પ્રસરી ગયું તારી અંદર, શિકાર એનો તું બન્યો છે
કર્યાં કર્મો જીવનમાં રે એવાં, આવતાં યાદ એની, શૂળ હૈયામાં ઊભું એ કરે છે
કાઢવા બહાર એને તારાથી અંદર, લોઢાના ચણા તો ચાવવા પડે છે
અંતરની શાંતિને તો તારી, રહી તારી અંદર, હચમચાવી એ તો રહે છે
જીવનમાં ઊથલપાથલ રહીને તારી અંદર, એ તો કરતો ને કરતો રહે છે
વધતું ને વધતું જાય છે જોર એનું, લાચાર એમાં તો તું બનતો રહ્યો છે
રહી રહી તો તારી અંદર, તને ને તને તો એ નડતો રહ્યો છે
કર કોશિશ તું પૂરી કાઢવા એને, નહીં તો તું દુઃખી ને દુઃખી રહેવાનો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)