કેમ કરી ફેડી શકીશ જીવનમાં હું તો પ્રભુ, તારા રે ઉપકાર
પળે પળે રહ્યા છે ચડતા ને ચડતા, તારા ઉપકારોના તો ભાર
છું નાનો અમથો જીવ તો હું તારો, ભરી છે આસક્તિ તો ભારોભાર
મોહમાયાના ફંદા બનાવતા રહ્યા છે જગમાં, મને તો લાચાર ને લાચાર
દુઃખદર્દ પકડી રહ્યા છે, ટાંટિયા જીવનમાં મારા, ઓ જગના આધાર
ખોટાં ને ખોટાં વિચારો ઘેરી રહ્યા છે જીવનને, નથી કરી શકતો સાચા વિચાર
અંધકારમાં રહ્યો છું આળોટતો હું તો, અરે ઓ તેજતણા અવતાર
હૈયું પ્રાર્થી રહ્યું છે સદાયે મને, દૂર કરો મારા હૈયા તણો અંધકાર
મારું મારું કરી ખૂબ તો જીવનમાં, કરી રહ્યો છું સહન તો એનો માર
હટતા નથી હૈયેથી તો મારા, જીવનમાં હૈયેથી વિકારો તો લગાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)