રહ્યો છે કરતો ને કરતો ચિંતા તું અમારી, પ્રભુ આજ ચિંતા તારી કરવી છે
રહ્યા છીએ કરતા ફરિયાદ તો અમારી, આજ અદીઠ ફરિયાદ તારી સાંભળવી છે
રહ્યા છીએ કરતા ને કરતા દુઃખી તને, સુખી કરવાની જવાબદારી અદા કરવી છે
ઊછળતું રહ્યું છે હૈયું અમારું તારા કાજે, હૈયું તારું અમારા કાજે ઊછળવા દેવું છે
રહ્યો છે કરતો જગની સેવા તો તું, આજ અમારે તારી સેવા તો કરવી છે
રહ્યો છે જોતો ને જોતો તું તો અમને, આજ અમારે તને તો જોવા છે
રહ્યા છીએ જીવનમાં મૂંઝાતા ને મૂંઝાતા અમે, આજ તને પ્યારમાં મૂંઝવી દેવા છે
જગ તો છે જ્યાં લક્ષ્યમાં તો તારું, પ્રભુ તને અમારે લક્ષ્યમાં લેવા છે
રહ્યો છે અમારી પાસે ને પાસે પ્રભુ, તારી પાસે અમારે તો રહેવું છે
દેતો ને દેતો રહ્યો છે જગમાં તું એમાં, પ્રભુ ભક્તિભાવ અમારે તને દેવા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)