છીએ કેવા બુદ્ધિશાળી અમે રે પ્રભુ, જુઓ અમારી બુદ્ધિના રે ધબકારા
રાખ્યા પ્રકાશમાં તેં તો અમને, ના એ સમજ્યા, ફેંક્યા અંધકારમાં, રહ્યા એને ઝંખતા
કરી સમયની લહાણી, મોકલ્યા અમને જીવનમાં, રહ્યા અમે વેડફતા ને વેડફતા
મોકલ્યા અમને સગાંસબંધીઓના ઝૂમખામાં, રહ્યા અંદર ને અંદર અમે લડતા ને લડતા
દીધું અમને જે જે રે તેં તો જીવનમાં, હશે કર્યો ઉપયોગ પૂરા, રહ્યા અસંતોષમાં જલતા
છોડી ના શક્યા ગૂંચવણો અમે અમારી, કહી કહીને રે તને, રહ્યા અમે મૂંઝવતા
દઈ શાંતિ હૈયે, અમને જગમાં તો મોકલ્યા, કરી ઊભી અશાંતિ, રહ્યા શાંતિને ઝંખતા
મારી કુદરતના ઘા અમને રે એવા, કરી કોશિશો સમજવાની, ના અમે એ સમજ્યા
કરી હૈયે ઊભા, બધું છોડવાના ભાવે, લલચાવી જીવનમાં અમને, રહ્યા અમે લલચાતા
જુઓ કેવી છે રે બુદ્ધિ અમારી, છો તમે સર્વવ્યાપક, નથી તમને તોય શોધી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)