હૈયાંમાં રહે સદ્ભાવોના ભાવો ઊછળી, જીવનમાં ત્યાં મંગલ મંગલ થાય
જોજે હૈયે ઊછળે ના વેરના ભાવો, મુસીબતો જીવનમાં ઊભી એ કરી જાય
સમજ્યા વિના કાઢીશ વાણી, અણધાર્યું પરિણામ લાવી જાય, પસ્તાવો ઊભો કરી જાય
અહંની આળપંપાળ કરતો ના એટલી, વાત અન્યની, ના એમાં સ્વીકારી શકાય
ક્રોધની જ્વાળા રાખી હૈયે ભભૂક્તી, જોજે તારું ને અન્યનું જીવન, બાળી ના એ જાય
વધારતો ના જીવનમાં ઇચ્છાઓને ઇચ્છાઓ,કરવા પૂરી એને, દોડાદોડીમાં ચાલી ના જવાય
રહેવું જીવનમાં ભોળાને ભોળા ભલે રહેવું, ના એટલું, એમાં મૂરખમાં ખપી જવાય
હોય જીવનમાં કાંઈ પાસે તારી, નાંખે ટહેલ મદદની, જોજે આંખ આડે કાન ના કરાય
કરી કરી ખોટી ચિંતાઓ કરી જીવનમાં, શાંતિ જીવનમાં કાંઈ એમાં ના પમાય
દુઃખનું ઓસડ, દહાડા ભલે ગણાય, દહાડાને જીવનમાં, દુઃખનું કારણ ના ગણાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)