નાવડી મારી હાલક ડોલક થાય માડી, નાવડી મારી હાલક ડોલક થાય
છે નાવડીની હાલત આવી મારી રે માડી, ભવસાગર પાર કેમ કરીને કરાય
મોજે મોજે ઊછળે મારી નાવડી રે માડી, પાણીની થાપટ ખાતી એ તો જાય
ચારે દિશાઓમાં ઊઠે છે તોફાન, હાથ રહે ના સુકાન, ભવસાગર પાર કેમ કરીને કરાય
સૂઝે ના દિશા જરાય, પડે ના સમજ, નાવડી એમાં ક્યાંને ક્યાં તો ચાલી જાય
નથી કોઈ આધાર મારી જુગદાધાર, તારા ભરોસે નાવડી તો ભવસાગરમાં આવી જાય
એક ખામી હોય નાવડીમાં તો સંભાળાય, છે ખામીઓથી ભરપૂર, કેમ કરીને સંભાળાય
આડી અવળી રહી છે એ ઊછળતી, ડૂબશે ક્યારે એમાં તો એ, ના એ તો કહેવાય
અનેક ખડકો સાથે રહી છે અથડાતી, કેમ કરીને એમાંથી એને બચાવાય
લઈ લે નાવડીનું સુકાન તારા હાથમાં માવડી, કિનારે સલામત એને પહોંચાડ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)