અજબ છે, ગજબ છે, લીલા માડી રે તારી, સમજી નથી એ તો સમજાતી
જઈએ મૂંઝાઈ અમે એમાં, સૂઝે ના મારગ તો એમાં, કાઢે મારગ તો બુદ્ધિ તારી એમાંથી
હાશકારાનો શ્વાસ બેઠો ના હોય જ્યાં હૈયે, ફૂટે ક્યાંકથી એમાં તો ઉપાધિઓની સરવાણી
ઋષિમુનિઓ પણ પામી ના શક્યા લીલા તારી, ક્યાંથી સમજીએ અમે તો પામર માનવી
યત્નો પર યત્નો કરી થાક્યા અમે, છે હાથમાં અમારા તો નિષ્ફળતાની તો કહાની
ફરીએ જગમાં સફળતામાં અમે છાતી ફુલાવી, દે છે ત્યાં તો કર્મોની લાત અમને લગાવી
દુઃખ દર્દ તો ગઈ છે બની, હર દિનની કહાની, સમજાતું નથી કેમ એને સુધારવી
વીતતો રહ્યો છે સમય, ખૂટતી રહી છે મૂડી એની, ક્યાંથી મૂડી હવે એની લાવવી
ભરીને બેઠા છીએ, આશા હૈયાંમાં તો એવી, દેશે બધા કર્મોની અમને તું માફી
વધુ તને તો શું કહેવું, કહેતાં પડે છે હૈયું તો રડી, સમજી લેજે હાલત છે અમારી એવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)