હૈયાં બની ના શક્યા જીવનમાં જ્યાં એક, રહ્યા ને બન્યા એ તો જુદાને જુદા
મનમેળ જીવનમાં જ્યાં ના સાધી શક્યા, રહ્યા જીવનમાં એ તો જુદાને જુદા
વિચારોના મતભેદ જીવનમાં જો મિટાવી ના શક્યા, પડયા એ તો જુદાને જુદા
ધ્યેય રહ્યા ના એક જ્યાં જીવનમાં, રસ્તા પડયા ત્યાં સહુના તો જુદાને જુદા
રહ્યાં માનબિંદુ જીવનમાં તો જ્યાં જુદા રહ્યાં, માનના સ્થાન ત્યાં તો જુદાને જુદા
રહ્યાં સાધનાના રસ્તા જ્યાં જુદાને જુદા, રહ્યા રસ્તા ત્યાં સહુના જુદાને જુદા
રહી સમજશક્તિ જ્યાં સહુની જુદીને જુદી, પ્રગતિના માપ બન્યાં ત્યાં જુદાને જુદા
રહી દૃષ્ટિ જીવનને જોવાની જ્યાં જુદીને જુદી, દૃશ્યો દેખાયા ત્યાં તો જુદાને જુદા
રહ્યાં પ્રેમના સ્થાન તો જ્યાં જુદાને જુદા, પ્રકાર પ્રેમના બન્યા ત્યાં જુદાને જુદા
જુદાને જુદા ભલે સહુ રહ્યાં, જુદા જુદા નામે તો સહુ પ્રભુને ભજી ને પૂજી રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)