શું જીવવું છે જીવન જીવનમાં તારે, શું એવું જીવન તું જીવી રહ્યો છે
શું કરવું છે જીવનમાં જે જે તારે, શું એ બધું તું જીવનમાં કરી શક્યો છે
રહી કેટલી આશાઓ અધૂરી જીવનમાં તારી, કેટલી તો પૂરી થઈ છે
શું દિલ દઈને કર્યું જીવનમાં કામ તેં બધું, તો શું તેં જીવનમાં કર્યું છે
રાખ્યો છે અન્ય પર આધાર તેં કેટલો, જીવનમાં આધાર તેં કેટલો રાખ્યો છે
મેળવ્યા સાથ જીવનમાં તેં કેટલાના, જીવનમાં સાથ તેં કેટલાને દીધા છે
આવ્યો તું પ્રભુની તો કેટલો પાસે, પ્રભુને જીવનમાં દૂર તેં કેટલા રાખ્યા છે
વિશ્વભરની રહ્યો છે તું તો કરતો ફરિયાદ, તારી ફરિયાદ તેં કેટલી સાંભળી છે
દયા અન્યની ખાવા કર્યા તેં કેટલા અખાડા, તેં કેટલાની દયા માગી છે
જીવવું છે જીવન શું તારે આવી રીતે, આવા જીવનમાં બદલી તારે લાવવી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)