પડી પ્રેમની હૈયામાં તો અનોખી ભાત, ના એ કહેવાય, ના એ સહેવાય
ઝૂરે એકલવાયું એ તો દિન ને રાત, ના એકલતા એનાથી સહેવાય
દર્દ અનોખું જાગે એમાં તો હૈયામાં, ના કહેવાય, ના સમજાવાય
કરે મીઠાં સપનાંની જીવનમાં એ તો લહાણી, ના કહેવાય, ના છુપાવાય
ઉઠે સૂરો હૈયામાં એમાં તો જુદા, ના સંભળાવાય, ના સમજાવાય
ચમકે આંખો એમાં તો જુદી, ના આંખ સામે જોવાય, ના આંખ મંડાય
છે કાયદા એના તો અનોખા, ના પાળે કાયદા જગના, ના છોડે કાયદા એના જરાય
ફરે સૃષ્ટિ એવા હૈયાં ને નયનોમાં, ના પ્રવેશ મળે જરાય, ના ફેરવે નજર બીજે ક્યાંય
કહેવી વાત જઈને જગમાં તો કોને, ના સમજાય, ના કહેવાય, ના સહેવાય
સુખના મળે સહુ સાથી, દુઃખમાં ના કોઈ, ના એ તો કહેવાય, ના એ સહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)