કરી કરી જીવનમાં શું કર્યું, પાપનું પોટલું ના હળવું બન્યું
ઇર્ષ્યા વેરના અગ્નિમાં, હૈયાંને જીવનમાં નિત્ય એમાં શેકયું
મારા તારાની બનાવી યાદી મોટી, જીવનને એમાં ગૂંચવી દીધું
ગજા ઉપરની તો દોટ કાઢી, જીવનમાં ચિંતાનું ઔષધ પીધું
સારા નરસાનો ભૂલી વિવેક, જીવનને ખરાબે ચડાવી દીધું
ઇંદ્રિયોમાં ખેંચાઈ ખેંચાઈ, જીવનને જગમાં તો હચમચાવી દીધું
રચી જગમાં જીવનના સુંદર સ્વપ્નો, ખુદે એને તો તોડી નાંખ્યું
સદ્ગુણોની સંપત્તિ ભૂલી, દુર્ગુણોથી જીવનને તો ભરી દીધું
મુક્ત થવા આવ્યો જગમાં, જીવનને બંધનોમાં ગૂંચવી દીધું
જીવન મેળવી આવ્યો જગમાં, જગને જ જીવન તો સમજી લીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)