શું કરી રહ્યો છું, કેમ કરી રહ્યો છું
જાણતો નથી જીવનમાં, શું ભૂલી ગયો છું, શું ગુમાવી રહ્યો છું
લઈ આશા આવ્યો જગમાં પ્રભુદર્શનની, માયામાંને માયામાં ઘૂમી રહ્યો છું
જાણે અજાણે કરી ખોટા વર્તન, થઈને દુઃખી, અન્યને દુઃખી કરી રહ્યો છું
હવાના ઝોકાની જેમ, વિચારો બદલી બદલી, અસ્થિર બની રહ્યેા છું
સ્વભાવ, દોષોને ના નાથીને, દુશ્મનો જીવનમાં ઊભા કરી રહ્યો છું
ખોટાને ખોટા વર્તનોમાં રાચી, જીવનમાં ના એને તો સુધારી
ગુમાવી જાત અને વૃત્તિઓ પર તો કાબૂ, જીવન બેહાલ કરી રહ્યો છું
ખોટા અને ખોટાના સાથ જીવનમાં મેળવી, સત્યને જીવનમાં ઠૂકરાવી રહ્યો છું
પાપ કર્મોમાં જીવનમાં, ના અટકી, ભાર જીવનમાં વધારી રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)