પહેર્યાં વીજ તણાં કંદોરા, ઓઢયાં ચીર તો અંબર તણા
ઝરમર મેહુલિયાના નાદે, ચમક્યાં ઝાંઝર તો ‘મા’ ના
ચંદ્ર સૂરજના પ્રકાશે, ‘મા’ ના તેજ તો છે પથરાયા
ઉષા સંધ્યાના રંગે તો, ‘મા’ ના ચીર છે રંગાયા
તારલિયાના ટમકારે તો, ભાત અનોખી ચીરમાં પાડયાં
પગલે પગલે તો ‘મા’ ના, અવનિ પર તેજ છે પથરાયાં
સાગર, સરિતાના નીરે, પગ તો છે ‘મા’ ના પખાળ્યાં
શીતળ વાયુએ વાયી, ‘મા’ ને તો વીંઝણાં નાખ્યાં
મધુર પંખીઓના રવે, ‘મા’ ના સંગીત તો છે રેલાયા
ડાળીએ, ડાળીએ નમીને, છે મસ્તક તો ‘મા’ ને નમાવ્યા
નવ નોરતાની રાતે, અદ્દભુત રંગ ‘મા’ ના છે રેલાયા
માનવ હૈયાં તો નાચી ઊઠયાં, આનંદે સૌને તો નવરાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)