જીવનના તાલ તારા, `મા’ ના તાલ સાથે તાલ દેવા લાગે
કર્મો જીવનના તને તો નહિ બાંધે
જીવનના સૂર તારા `મા’ ના સૂર સાથે મળવા જ્યાં લાગે
જીવન સંગીત અનોખું, ત્યાં તો લાગે
આચાર તારા, `મા’ ના આચાર સાથે, સાથ દેવા લાગે
જીવન તણી ફિકર ત્યાં કદી ના જાગે
ભાવેભાવ, હૈયાના તારા, `મા’ ના ભાવમાં ભળવા લાગે
અલગતા તૂટી, હૈયું ત્યાં એક થાવા લાગે
કર્મોકેરી કથનીમાંથી, વિચાર કેરા વંટોળમાંથી હટી જાશે
શાંતિ કેરું પાન કરી, શાંતિ પામી જાશે
આનંદસાગર `મા’ ના ચરણ જ્યાં પકડાશે
અણુ અણુ તારા આનંદે તરબોળ થાશે
તેજપૂંજ `મા’ ની સાથે ચિત્ત જ્યાં જોડાશે
અંધકાર હટી હૈયે પ્રકાશ પથરાશે
અણુ અણુની એકતા `મા’ ની સાથે સધાશે
નજર તારી પડતાં, દર્શન `મા’ ના થાવા લાગે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)