ઝીલ્યો પ્રકાશને ઝીલ્યો અંધકાર જીવનમાં, જીવન તો વહેતું ને વહેતું જાય
રહી અસર બંનેની જીવનભર જીવનમાં, જીવન એમાં, નહાતું ને નહાતું જાય
જીવન તો વહેતું ને વહેતું જાય (2)
છે અસર સૂર્ય ચંદ્રની એવી, કદી જીવન તપી જાય, કદી શીતળતામાં નહાય
રહ્યોં છે સાગર અસર કરતો દિલને, ભાવોના મોજા દિલમાં ઉછાળતો જાય
અંધકાર ને પ્રકાશમાં રહ્યાં સહુ ખેલતાં, જીવન કદી પ્રકાશમાં, કદી અંધકારમાં ડૂબતું જાય
રહ્યું બંનેની અસર નીચે તો જીવન, જીવનમાં અસર તો બંનેની વરતાય
ચડતીને પડતી આવે સદા જીવનમાં, યાદ અંધારાને અજવાળાની એ આપી જાય
સતત અંધારું કે સતત પ્રકાશ જીવનમાં, નયનોથી ને હૈયાંથી ના જીરવાય
અંધારા ને પ્રકાશ છે જીવનના અતૂટ પાસા, જીવનને અલગ એનાથી ના પડાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)