આવોને આવો, આવો તમે હવે તો સારું, છે આવવાનું ઇજન તમને અમારું
રહ્યાં નથી ભલે દૂર તમે, રહ્યાં છો સાથેને સાથે, નજરમાં આવો હવે તમે તો સારું
છે ધામ હૈયાંના સૂના તમારા વિના, આવીને હવે આસન ગ્રહણ કરો તમે તો સારું
કરી હૈયાંની વાતો અમે તમને તો અમારી, કરો હૈયાંની વાતો હવે તમારી તો સારું
દુઃખ દર્દમાં મળ્યા દિલાસા ઘણા જીવનમાં, દુઃખ દર્દને દૂર કરો, હવે તો સારું
અમારા પ્રેમમાં પોકળતા છે ઘણી, પોકળતા એમાંથી અમારી, હવે દૂર કરો તો સારું
ધર્યા મહેકતા ફૂલો ઘણાં તમારા ચરણે, હવે જીવન અમારું મહેકાવો તમે તો સારું
દિલની દુનિયા નથી કાંઈ જુદી અમારી, બનાવો હવે એને તમે તમારી તો સારું
નજર તારી તરફ માંડતા, છલકાય છે હૈયું અમારું, છલકાતું રાખો આનંદથી એને તો સારું
છે હૈયું અમારું તમારા પ્રેમનું પ્યાસું, હવે પ્યાસ એની બુઝાવો તમે તો સારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)