તારા સાથ વિના, તારા સાથ વિના,
કરી ના શકીએ રસ્તા પાર, જીવનના અમારા
ડગલેને પગલે છે કંટક વેરાણા જીવનમાં,
કેમ કરીને કરીએ પાર એને પ્રભુ, તારા સાથ વિના
થાકીએ જીવનમાં જ્યાં અમે, જઈને કહીએ એ તો કોને,
થાક ઉતારશે કેમ, તારા સાથ વિના
ના કાંઈ કરી શકીએ, ના ચાલી શકીએ અમે જીવનમાં,
છે ડગમગતા ડગલાં અમારા, થાશે સ્થિર કેમ તારા વિના
સંજોગોએ વહાવ્યા ઘણાં અશ્રુઓ જીવનમાં,
અટકશે ક્યાંથી એ તો જીવનમાં, પ્રભુ તારા સાથ વિના
બન્યા કંઈક દુશ્મનો જીવનમાં અમારા,
ટકી કેમ શકીએ જીવનમાં એમાં અમે, પ્રભુ તારા સાથ વિના
દુઃખ દર્દ તો છે અંગ જીવનના,
ટકી કેમ શકીએ અમે જીવનમાં એમાં, પ્રભુ તારા સાથ વિના
ચાહીએ સ્થિર બનવા જીવનમાં, હચમચાવી જાય સંજોગો સદા જીવનમાં,
સ્થિર ના રહીએ, પ્રભુ તારા સાથ વિના
નજરું પર રાખી ના શકીએ ભરોસો અમે, દેતી રહી છે દગો અમને,
નીકળી ના શકીએ બહાર તારા સાથ વિના
રાહ જોઈ જોઈ તમારી રે પ્રભુ, અમે તો થાક્યા, ના તોયે તમે આવ્યા,
ઊતરશે થાક ક્યાંથી અમારા તારા સાથ વિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)