શોધું છું, શોધું છું જીવનમાં એ તો હું શોધું છું, એ તો હું શોધું છું
દિલ ખોલીને દિલ ખોલી શકું, જીવનમાં સાથી એવો હું તો શોધું છું
પ્રભુ છે તમારી પાસે તો અગણિત જ્યાં, સ્થાન એમાં મારું હું તો શોધું છું
પૂનમના રેલાતા કિરણોમાંથી, હૈયાંને હર્ષિત કરી દે, એવું કિરણ હું તો શોધું છું
ક્ષણોને ક્ષણો આવતીને જાતી રહી જીવનમાં, દિલમાં સંઘરી શકું, એવી ક્ષણ હું તો શોધું છું
વાક્યોને શબ્દો સાંભળ્યા ઘણાં, હૈયું પ્રભુનું વીંધી શકે, વાક્ય એવું હું તો શોધું છું
ઘડપણ જીવનમાં ડોકિયા કરી ગયું, પુરાણી યાદોમાંથી જુવાની મારી હું તો શોધું છું
રહ્યો છું વધતો આગળ જીવનમાં, હરેક ડગલામાંથી, મંઝિલ મારી હું તો શોધું છું
અવળીસવળી ચાલી જાતી જીવનગાડીમાંથી, સરળતા જીવનની હું તો શોધું છું
ધારી પ્રગતિ સાધી ના શક્યો જીવનમાં, મારી પાછળ ભંગાર એનો હું તો શોધું છું
ખાઈ ખાઈ માર જીવનમાં, તૂટી ગયો જીવનમાં, વિશ્વાસનું બિંદુ હવે હું તો શોધું છું
જીવનના ત્રિભેટે આવીને હું તો ઊભો છું, જીવનની રાહ મારી એમાંથી હું તો શોધું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)