લેતા લેતા નામ પ્રભુનું હૈયાંમાં, ભક્તિનો છોડ, હૈયાંમાં તો પાંગરી ગયો
ગયો છવાઈ હૈયાં ઉપર એ તો એવો, ખાવું પીવું બધું એ તો ભુલાવી ગયો
નયનોમાંથી કિરણો ભક્તિમાં રેલાયાં, જીવન બધું એ તો પલટાવી ગયો
રીત જીવનની ગઈ એમાં બદલાઈ, ભક્તિનો રસ હૈયાંમાં રંગ જ્યાં જમાવી ગયો
ડગલેને પગલે સ્મરણ તો પ્રભુનું, પ્રભુમય જીવન એ તો બનાવી ગયો
હૈયાં પરથી સંસાર ગયો ત્યાં હટી, હૈયાંમાં રંગ પ્રભુનો તો જ્યાં ચડી ગયો
હૈયું તો ભક્તિમાં જ્યાં થાતું ગયું ભીનુંને ભીનું, પ્રભુના પ્રેમનો સ્પર્શ એ પામી ગયો
નયનોમાં નયન રમ્ય મૂર્તિ પ્રભુની રમી રહી, અંગે અંગમાં ઉલ્લાસ વ્યાપી ગયો
હટી કે ખસી મૂર્તિ તો જ્યાં નયનોમાંથી, આકુળવ્યાકુળ ત્યાં તો હું બની ગયો
હૈયું એમાં જ્યાં ભાવ વિભોર બની ગયું, નયનોમાંથી અશ્રુસ્રાવ વહી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)