વીત્યો કાળ જીવનમાં તો જે, ફરી પાછો એ તો આવતો નથી
સમય ચક્ર રહે છે ચાલતુંને ચાલતું, શેહશરમ કોઈની એ રાખતું નથી
જાય છે લખી સહુ સહુની કહાની, વંચાયા વિના એ તો રહેવાની નથી
મેળવવા પકડ આવતી કાલ પર, આજને હાથમાંથી સરકવા દેવાની નથી
કાલના અનુભવ પર જીવજે આજમાં, કાલ ત્યાં સુધર્યા વિના રહેવાની નથી
કરી શકે તું જે આજે, છોડ ના એને કાલ પર, કાલ તો જલદી પડવાની નથી
જિતે છે જીવનમાં તો જે આજને, કાલ એની તો જિતાયા વિના રહેવાની નથી
કાળમાં નાચે છે તો જગ સારું, કાળમાં સહુ સમાયા વિના રહેવાના નથી
દુઃખ દર્દ જાગ્યું જે કાળમાં, કાળમાં સમાયા વિના એ રહેવાનું નથી
કાળ છે રચે બંધન તો દુઃખનું, કાળ દુઃખને ભુલાવ્યા વિના રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)