ત્રણ સાંધું ને તેર તૂટે, છે હાલત તો એવી મારી
લેખ તો લખીને આવા માડી, વેર કાં તું વાળે
કર્યાં કર્મો ખોટાં જ્યારે, રોક્યો ના માડી મને ત્યારે
શિક્ષા દેવું ચૂકી ત્યારે, કાં વેર તું આજ એનું વાળે
હાથ-પગ સરખા દીધા, હૈયે આળસ એવી ભરી દીધી
પુણ્યમાં તો વળ્યું અંધેર, કાં વેર તું આજે વાળે
સોનાની થાળીમાં લાડવો ધરે, ખાવા ટાણે ખેસવી લે
લખીને લેખ તો આવા માડી, વેર કાં આજ તું વાળે
આશાના મિનાર રચાવે, તોડતાં વાર એને ના લગાવે
કરાવે બધું એ તો મારી પાસે, વેર કાં આજ તું વાળે
માયામાં તું ખૂબ દોડાવે, રસ્તા ખોટા તો સુઝાડે
તારાથી દૂર ને દૂર રાખી માડી, વેર કાં આજ તું વાળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)