રહ્યા છે પડતા ઘા ઊંડા તો હૈયે
બસ હવે તો રડવું જ બાકી છે ‘મા’
ચૂપચાપ રહ્યો કરતો સહન એને
બસ હવે તો તને કહેવું જ બાકી છે ‘મા’
અકળાઈ અકળાઈ આંખો બધે ફરતી રહે
બસ હવે તારા પર મીટ માંડી છે ‘મા’
સહ્યું છે કેટલું, સહન કેટલું તો થાશે
બસ હવે તો ધીરજ ખૂટવી બાકી છે ‘મા’
સદા તો જીવનમાં રહ્યો હસતો
બસ હવે તો હૈયાનાં રુદન જ બાકી છે ‘મા’
ઝીલ્યા પડકાર તો જીવનમાં ઘણા
બસ હવે જીવનની એક જ આશ છે ‘મા’
હિંમતે-હિંમતે તો ડગલાં રહ્યો ભરતો
બસ હવે તો શક્તિ ખૂટવી જ બાકી છે ‘મા’
આતુર નયને વાટ તારી જોઈ રહ્યો
બસ હવે તો તારાં દર્શન તો બાકી છે ‘મા’
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)