જીવવું હોય જીવન જો સરળતાથી, સહકાર ને સહનશીલતાની જરૂર છે
ખૂટે જો આ તત્ત્વો રે જીવનમાં, બીમારી મનની એ તો લાવે છે
જગાવી હદબહારની આશા તો હૈયે, પૂરી થવાની આશા ના થાયે બધી પૂરી
પીવા પડે ઘૂંટડા નિરાશાના તો જ્યાં, બીમારી મનની એ તો લાવે છે
વેરના ને ક્રોધના દોર મૂક્યા જ્યાં છૂટા, ના કાબૂ એના પર જીવનમાં જો લીધા
હતાશાની પરંપરા કરે એ તો ઊભી, બીમારી મનની એ તો લાવે છે
જાગી ભૂખ, લોભ ને લાલચની જીવનમાં, થાયે ના જીવનમાં એ તો પૂરી
અસંતોષની આગ દે એ તો જલાવી, બીમારી મનની એ તો લાવે છે
અભિમાન ને અહંના ઉછાળા હૈયે ઊછળ્યા, ના શમાવ્યા જો એને
તાણી જાશે ભરતી એની એને, બીમારી મનની એ તો લાવે છે
ભુલાવી જાશે વિવેક આ તત્ત્વો જીવનમાં, ડુબાડશે ખીણમાં ઊંડી
બનશે નીકળવું મુશ્કેલ જીવનમાં, બીમારી મનની એ તો લાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)