રહ્યાં છે દેવાતાં વચનો જગમાં રે ઝાઝા, રહ્યાં છે પળાતા એ તો થોડા
બોલાતા રહ્યા છે શબ્દો જગમાં રે ઝાઝા, નીકળે અર્થ એમાંથી તો થોડા
કરનારા ખોટું તો મળશે જગમાં રે ઝાઝા, આચરણમાં સાચું મળશે તો થોડા
દુઃખમાં ડૂબેલાં તો મળશે જગમાં રે ઝાઝા, સુખમાં ડૂબેલા મળશે તો થોડા
છે જગમાં શંકા રાખનારા તો ઝાઝા, વિશ્વાસે જીવનારા છે જગમાં તો થોડા
સમય ચૂકનારા મળશે જગમાં તો ઝાઝા, સમય સાચવનારા તો છે થોડા
અપમાનથી સળગનારા છે જગમાં તો ઝાઝા, અપમાન પી જનારા તો છે થોડા
કર્મને કોસનારા તો છે જગમાં ઝાઝા, કર્મમાં રાજી રહેનારા તો છે થોડા
ધ્યેયને બદલનારા તો છે જગમાં રે ઝાઝા, ધ્યેયમાં રત રહેનારા તો છે થોડા
જગના ફેરા ફરનારા તો છે જગમાં રે ઝાઝા, ફેરા જગના તોડનારા તો છે થોડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)