જેને હૈયે પ્રભુપ્રેમની તો જ્યોત જલે, એને જગઅંધારું તો ક્યાંથી નડે
એના શબ્દે શબ્દે તો પ્રેમની ધારા વહે, નહાયે એમાં એ તો પાવન થાયે
એનું ચિત્ત સદા પ્રભુમાં તો રહે, બૂરું અન્યનું તો એ ક્યાંથી કરે
સહુમાં જ્યાં એ તો પ્રભુને જુએ, મારા-તારાના ભેદ એને ક્યાંથી રહે
પ્રભુપ્રેમમાં જેને સુખની શૈયા મળે, જગસુખની ચાહના એ તો શાને કરે
એને હૈયે વેરની જ્વાળા ના પહોંચે, શીતળતા તો એને હૈયે સદાયે વસે
પ્રભુ પ્રેમમાં જ્યાં બધી દોલત જુએ, એને જગદોલત તો ક્યાંથી આકર્ષે
કરવા બધું એનું, પ્રભુ તૈયાર રહે, તસ્દી પ્રભુને ના કદી એ તો આપે
પ્રભુ વિના એની દૃષ્ટિમાં બીજું કોઈ નથી, સ્થાન બીજું ના કોઈ લઈ શકે
ચાહના નથી બીજી કોઈ એને હૈયે, પ્રભુદર્શન વિના બીજું કાંઈ ના ચાહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)