છે પ્રભુમંદિર તો તારી પાસે ને પાસે, જાવું નથી તો ક્યાંય બીજે
રહેશે પ્રભુ વિના જો એ ખાલી, મળશે ના પ્રભુ તને તો ક્યાંય બીજે
રહેશે ફરક દેવ-દેવમાં તો જ્યાં હૈયે, દર્શન પ્રભુનું તો સાચું ના મળે
જાવું પડે જો મંદિરે ને મંદિરે, પહોંચી ના શકીશ તું તારા મંદિરે - છે...
રાહ જોઈ ઊભા છે તારી તો તારા મંદિરે, આવી ક્યારે તું એને મળે - છે...
છોડી નથી આશા તો એણે, રાહ જોવે છે, ક્યારે આશા પૂરી એની તું કરે - છે...
બહાર ને બહાર નજર ફેરવતો તું ફરે, અંતરમાં નજર ના તું તો કરે - છે...
મેલ સહિત નાખીશ નજર તું અંદર, દર્શન એના તો નહિ મળે - છે...
મળ્યા ના દર્શન તને તુજ અંતરમાં, બીજે ક્યાંથી તને તો મળશે - છે...
છે સત્ય સનાતન તો આ, પામીશ તું, જો હૈયે વિચાર આ તો ઘટે - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)