છું તારી ભક્તિમાં રહેનારો રે ‘મા’, મારી ભક્તિમાં તો કરો વધારો
તારા વિચારોમાં તો સદા રહેનારો રે ‘મા’, ભવસાગરમાંથી તો ઉગારો
માયામાં રહ્યો છું હું તો ફસાતો રે ‘મા’, હવે એમાંથી તો બચાવો
મનથી તો છું સદા વિચલિત રહેનારો રે ‘મા’, મનને સ્થિર હવે બનાવો
વૃત્તિમાં તો છું સદા તણાનારો રે ‘મા’, તાણ હવે એની તો તોડાવો
તારા ભાવને છું હૈયામાં સંઘરનારો રે ‘મા’, તારા ભાવને હૈયામાં સ્થિર બનાવો
તારા દર્શનનો તો છું હું પ્યાસો રે ‘મા’, તારા દર્શન હવે મને તો આપો
સંશયમાં રહ્યો છું સદા સપડાતો રે ‘મા’, સંશય મારા હવે તો કાપો
મોહનિદ્રામાં બન્યો છું સૂનારો રે ‘મા’, મોહનિદ્રામાંથી હવે જગાડો
છો તમે તો માતા, હું બાળ તમારો રે ‘મા’, ચરણમાં તમારા તો રાખો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)