ઘાટ ને રૂપ તો છે, ભલે નવાં ને નવાં, રહેનાર એમાંનો તો છે જૂનો ને જૂનો
કર્મ છે નવાં, કથની તો છે નવી, કર્મનો કરનાર એમાંનો તો છે જૂનો ને જૂનો
અનુભવે અનુભવો તો છે નવા ને નવા, અનુભવનાર એમાં તો છે જૂનો ને જૂનો
નીકળે તો શબ્દો ભલે નવા ને નવા, બોલનાર એમાંનો તો છે જૂનો ને જૂનો
દેખાય દૃશ્યો જગમાં તો ભલે નવાં ને નવાં, જોનાર એને તો છે જૂનો ને જૂનો
વહે જ્ઞાનની સરિતા ભલે નવી-નવી, વહાવનાર એનો તો છે જૂનો ને જૂનો
પહેરે પહેરવેશ માનવ તો નવા-નવા, પહેરનાર એમાં તો છે જૂનો ને જૂનો
થાતી હોય વાતો જગમાં ભલે નવી-નવી, સ્વાર્થનાં વેણ એમાં તો છે જૂના ને જૂના
જાગતા હોય ભાવો ભલે નવા ને નવા, જગાવનાર એમાંનો છે જૂનો ને જૂનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)