એવા સંકલ્પોનું તો છે, જીવનમાં શું કામ, જે ચાર દિવસની ચાંદની દઈ જાય
કાણાવાળા પાત્રને ભરી-ભરી કરશો શું, ભરો-ભરો જળ એમાં, વહી એમાંથી એ તો જાય
ઉધાર હિંમતને જીવનમાં તો કરશો શું, અણી વખતે દગો એ તો દઈ જાય
એવી ભ્રમણામાં રહી કરશો શું, સ્વપ્ન વિના, જીવનમાં બીજું ના કાંઈ દઈ જાય
એવા ઝાડને જીવનમાં કરશો શું, મહેનત છતાં જે વાંઝિયું તો રહી જાય
એવા સંબંધોને જીવનમાં કરશો શું, દુઃખદર્દ વિના ના બીજું કાંઈ દઈ જાય
એવા તનમનથી જીવનમાં કરશો શું, તમારા કાબૂમાં ના જે રહી જાય
એવા ઉકેલને તમે જીવનમાં કરશો શું, જે મુસીબતો ને મુસીબતો વધારતો જાય
એવા જ્ઞાનને જીવનમાં તો કરશો શું, ઉપયોગ જેનો કદી ના કરી શકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)