ડહોળાયેલા તારા મનને તું સાફ કરી લે
ડહોળાયેલા તારા ચિત્તને તું સ્થિર કરી લે
તારા આત્માનું પ્રતિબિંબ, એમાં તો તું નીરખી લે
પાપથી ડંખતા તારા હૈયાને, પશ્ચાત્તાપથી ધોઈ લે
અસંતોષે જલતા તારા હૈયાને, સંતોષથી ઠારી દે - તારા...
પ્યારથી હૈયું એવું ભરી લે, વેરનું સ્થાન તો હટાવી દે
દેખાય અલગતા જગમાં ભલે, મારું-તારું તો મિટાવી દે - તારા...
છે પ્રભુ તો સર્વાંગ સુંદર, હર ચીજ સુંદરતામાં ઝબોળી લે
જગને સુધારવું ભૂલી, તારી જાતને તો તું સુધારી લે - તારા...
શું મેળવ્યું, શું ગુમાવ્યું, હિસાબ એક વાર માંડી લે
શું જોઈએ છે, શું છોડવું છે, નિર્ણય પાકો એનો કરી લે - તારા...
છે પ્રભુ તો તુજમાં, પ્રભુમાં તને તું જોઈ લે
તારા આત્માનું પ્રતિબિંબ, એમાં તો તું નીરખી લે - તારા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)