રાખ નજર તું તારી, તારા જીવન પર, તું જીવન જીવે છે કે વિતાવે છે
જીવ્યો છે જીવન તું ખોટી રીતે કે સાચી રીતે, કે તેં એ વિતાવ્યું છે
જોઈ લે તું જરા સમસ્યા તારી, દૂર કરી છે તેં કે એમાં તું ઘસડાયો છે
જોજે જરા ભાવો તારા, તાણી જાય છે તને, કે સ્થિર એમાં રહેવાય છે
જોજે જરા વિકારો તારા, કાબૂ મેળવી જાય છે, કે કાબૂમાં આવી જાય છે
કરજે યાદ લક્ષ્ય તારું, તું પાસે પહોંચે છે, કે દૂર એનાથી તું જાય છે
જાગી છે ઝંખના પ્રભુ મેળવવાની, કે માયામાં ને માયામાં ડૂબતો જાય છે
જાગ્યા છે સદ્દભાવના ભાવ, કે દુર્વૃત્તિમાં તણાતો તું જાય છે
છોડ્યા છે યત્નો અધૂરા, શું તું નિરાશામાં તણાતો જાય છે
લાગી છે સમીપતા પ્રભુની, કે દૂર-દૂર એ વરતાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)