તારો વાયદો માડી તેં તો પાળ્યો, વાયદો ના હું પાળી શક્યો
પામવા તને માનવ જનમ દીધો, સાર્થક ના હું એ કરી શક્યો
કરવા યાદ તને, કર્યા ઊભા સંજોગો ઘણા, યાદ ના હું તને કરી શક્યો
સંજોગે-સંજોગે સમજાવ્યું ઘણું, ના સાચું હું એમાં સમજી શક્યો
મોકલ્યો મને શાને કાજે, આવ્યો શા માટે, એ તો બધું ભૂલી ગયો
લાખ કોશિશ કરી મને સુધારવા, ના હું તો તોય સુધરી શક્યો
બનાવ્યો અસહાય મને તો, યાદ તને તો ત્યાં હું કરતો ગયો
કાઢ્યો બહાર પાછો એમાંથી, એવો ને એવો હું તો પાછો થઈ ગયો
થાકી નથી તું, થાક્યો નથી હું, મેળાપ તારો તો ઠેલાતો રહ્યો
અટકશે આ રમત ક્યારે, તારો ને મારો નિર્ધાર એક થઈ ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)