કરતા ને કરતા, જગમાં સહુ તો કરતા જાય, કરે ના વિચાર, એનો જરાય
જોવા ના ચાહે પ્રભુ કોઈને દુઃખી, જગમાં તોય સહુ સુખદુઃખમાં ન્હાય
રાત વીતે કે દિવસ ઊગે, કર્મો ના અટકે જીવનમાં તો જરાય
પથરાઈ છે જાળ જગમાં એની એવી, જાણવા છતાં ના એ દેખાય
લીધા શ્વાસ, કર્મોની લેણદેણ થઈ ચાલું, ના એ અટકી, ના અટકાવાય
અટકશે જીવનમાં એ કેમ ને ક્યારે કેવી રીતે, મૂંઝવણમાં એ તો નાખી જાય
તનડું તો છે કર્મો સાથે સંકળાયેલું, હિસ્સો કર્મોનો થાતાં પૂરો, એ છૂટી જાય
આવાં કર્મોની તો દોરી, સમજ્યા વિના તોડવી મુશ્કેલ બની જાય
કર્મ હશે ભલે એ તો આંધળું, પ્રભુ એને તો નોંધતો ને નોંધતો જાય
લાગે ભલે અનેક જન્મો, કર્મો છૂટયા કે તોડયા વિના, મુક્તિ મળે ના જરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)