જોયું પ્રેમભર્યું મુખડું જ્યાં તારું રે પ્રભુ, ભાન મારું હું ભૂલી ગયો
લાવશો ના ભાનમાં, એમાંથી મને રે પ્રભુ, ભલે બેભાન રહીએ અમે
તારા મુખડાના રંગથી રંગવું છે રે હૈયું, રંગ વધુ એનો ચડવા દેજે
તારા મુખના તેજથી અંજાય ભલે આંખલડી, હૈયાને એના તેજથી પ્રકાશવા દેજે
વિચારોમાં ચમકવા દેજે વિચારો તો તારા, તારા વિચારોમાં રહેવા દેજે
તારું મુખડું નીરખી ખીલે હૈયું મારું, હૈયાને મારા, એમાં તો ખીલવા દેજે
જોઈને મુખડું તારું, પ્રફુલ્લિત બને અંગ મારું, મારા અંગને પ્રફુલ્લિત એમાં બનવા દેજે
તારાં જોઈને નયનો ચમકે નયનો તો મારાં, મારાં નયનોને એમાં ચમકવા દેજે
તારાં નયનોમાંથી વહે છે તારા પ્રેમનાં કિરણો, એ કિરણોને મને ઝીલવા દેજે
તારા હસ્ત નીચે તો છે સ્વર્ગસુખ સમાયું, મુજ મસ્તકે, તુજ હસ્ત રહેવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)