પૂજવા છે જે પ્રભુને, તેં તારા હૈયામાં, ના એ તો તારાથી દૂર છે
વસાવ્યા છે જ્યાં એને તેં તારા શ્વાસમાં, ના એ તો તારાથી દૂર છે
વણી લીધા છે જ્યાં તેં એને તારા ભાવોમાં, ના એ તો તારાથી દૂર છે
હર વિચારોમાં તો તારા, છે વિચારો તો એના, ના એ તો તારાથી દૂર છે
દૃષ્ટિમાં તો તારી, ઊપસે જ્યાં દૃશ્યો તો એના, ના એ તો તારાથી દૂર છે
હર યાદોમાં તારી, છુપાઈ છે જ્યાં યાદ એની, ના એ તો તારાથી દૂર છે
હર સ્વપ્ન તો તારાં, સજાવે સપનાં એનાં, ના એ તો તારાથી દૂર છે
હર ઇચ્છાઓ તારી, બની ગઈ જ્યાં ઇચ્છા એની, ના એ તો તારાથી દૂર છે
હર ધડકનમાંથી તારી, નીકળે જ્યાં સૂર એના, ના એ તો તારાથી દૂર છે
બની દઈ જ્યાં મંઝિલ, જીવનમાં એ તારી, ના એ તો તારાથી દૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)