આંસુઓ તો ત્યાં પથ્થર બની ગયા, હૈયાં ભાર એના સહી રહ્યાં
ઝીલ્યાં ઘા હૈયાંએ તો ભાવના, ઉલ્કાપાત મનમાં ત્યાં મચી ગયા
ઘાએ-ઘાએ રુધિર તો વહ્યાં, તોય દર્શન રુધિરના ના થયા
રસ જીવનના સુકાઈ ગયા, અકાળે પાનખરના આગમન થઈ ગયા
મન તો અશાંત બનતાં ગયા, પ્રેમના વીંઝણાં કલ્પનામાં રહ્યાં
હૈયાં ઉપર-ઉપરથી શાંત દેખાયા, વમળો અંદર ને અંદર સમાયા
શ્વાસે-શ્વાસે ઉનાળા વરતાયા, વરસાદ પ્રેમના તો ઝંખી રહ્યાં
હાલત કહેવાના ના હોંશ રહ્યાં, નજર શૂન્યમનસ્ક બધે નિરખી રહ્યાં
વિરહના અગ્નિ રોમે-રોમે આગ લગાડી ગયા, ઉમેદોની ખાક કરતા ગયા
છે ઇલાજ પ્રભુ એક પાસે તો તારી, પ્રભુ મૌન હજી તમે કેમ બેસી રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)