પાપ આચરવામાં તો ધસતો રહે, ધરમના કામમાં ઢીલ તું શાને કરે
જગમાં લાલચમાં તો તું બેચેન બને, ડરથી બેચેન જીવનમાં તું શાને રહે
જીવનમાં કરવું પડે એ તો કરવું પડે, ભૂલવું પડે એ તો ભૂલવું પડે - ધરમ...
સહુને અપનાવવા તું પાછો પડે, વેર બાંધવામાં શાને તું ધસતો રહે - ધરમ...
માન જાળવવામાં તું મોળો રહે, અપમાન કરવામાં શાને તું ધસતો રહે - ધરમ...
મનને કાબૂમાં રાખવામાં પાછો પડે, ફરતું રાખવામાં શાને લાચાર બને - ધરમ...
અન્યની વાત જાણવામાં ઉત્સુક બને, જાણવા પ્રભુને કેમ ઉદાસીન રહે - ધરમ...
તારી વાત માને, એનો આગ્રહ રાખે, અન્યની વાત કાજે, શાને અખાડા કરે - ધરમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)