ભીતરમાં તારા તો જ્યાં, ભીરુતા ભરી છે, શૂરવીરતાના બણગા શાને તું ફૂંકતો ફરે છે
સમય-સમય પર સરકતી જાશે એ શૂરવીરતા, શૂરવીરતાને શું તું સસ્તી સમજે છે
શબ્દોના આવેશે જો શૂરવીરતા જાગે, અણી સમયે, ધબડકો એ તો ધરે છે
અન્યના આધારે ટકશે જો શૂરવીરતા, ક્યાંથી, સાથ સહુના જગમાં છૂટતા તો રહે છે
પોકળ પાયા તો શૂરવીરતામાં કામ ના લાગે, શૂરવીરતા બોદી, એમાં તો બોલે છે
માનીશ શૂરવીર તું તને, વળશે શું એમાં, જગના સ્વીકાર વિના, અધૂરી એ તો રહે છે
વિકટ અને મુશ્કેલ કામોમાં, જગમાં તો શૂરવીરતા કસોટીએ સદા તો ચડે છે
મળે ના એ તો વેચાતી રે બજારમાં, મળે જો એ તો, ખાલી એમાં કોઈ તો રહે છે
જાગશે ને રહેશે અંતરમાં તો જે અણીવખતે, જીવનમાં કામ એ તો લાગે છે
ભક્તિ કરવા તો જીવનમાં, જગમાં તો સદા, શૂરવીરતાની જરૂર તો પડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)