રાખજે દ્વાર હૈયાંના બધાં તું ખુલ્લાને ખુલ્લા,
કરી દેજે સુગમ પ્રવેશ એમાં તો પ્રભુના
આવશે ક્યારે ને ક્યાંથી, નથી એ કહીને આવવાના,
પ્રેમના દ્વારેથી પ્રવેશ જલદી કરવાના
જોશે ના રાહ દ્વાર ખટખટાવવાની,
જોઈ દ્વાર તો ખુલ્લા એ તો પ્રવેશ કરવાના
વિશ્વાસના દ્વાર રાખજે તું ખુલ્લા, વિશ્વાસે પ્રવેશ કરવામાં,
નિત્યપ્રકાશી છે જ્યાં એ અંધકાર સાથે ના રહેવાના
રાખજે ભાવના દ્વાર ખુલ્લા તો તારા, પ્રવેશવા ખુશી થાવા ભક્તિના દ્વાર ખોલી દેજે, પ્રવેશવા ઉત્સુક એ રહેવાના
સપનાના દ્વાર રાખજે ખુલ્લા, દ્વાર એ એતો સમવાના,
વિવેકના દ્વાર દેજે ખોલી, બની મસ્ત એમાં ઝૂમવાના
રાખીશ સમજણના દ્વાર ખુલ્લા, નડતર પ્રભુને નથી કરવાના,
થાશે પૂરા એમાં સમજણ પ્રભુ વધારવાના
રાખજે તું હૈયાંના પ્રેમના દ્વાર તો ખુલ્લાને ખુલ્લા,
પ્રભુ પ્રવેશ એમાં જલદી કરવાના એ તો કરવાના
ખુલ્લા દ્વારેથી કરશે પ્રવેશ પ્રભુ તારા હૈયાંમાં,
કરી પ્રવેશ હૈયાંમાં, નથી ત્યાંથી પાછા એ જવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)