સૂર્ય કિરણોએ જોયા ના ભેદભાવ, રાખ્યા ના જરાય ભેદભાવ
વહેતી ને વહેતી રહી ધારા તો એની, ખૂટી ના એ તો ખૂટે
વહેતી નદીના જળે, જોયા ના ભેદભાવ, રાખ્યા ના જરાય ભેદભાવ
જળની ધારા રહી એવી તો વહેતી, ખૂટી ના એ તો ખૂટે
સાગરના મોજા રહે ઊછળતા, જોય ના ભેદભાવ, રાખ્યા ના ભેદભાવ
ઊછળતાને ઊછળતા રહે સદાયે, ખૂટયાં ના એ તો ખૂટે
પ્રેમના પ્રેમની ધારા, જોયા ના ભેદભાવ, રાખ્યા ના એણે તો ભેદભાવ
ઝીલનારા એને ઝીલતા રહે, રહે વહેતી, ખૂટી ના એ તો ખૂટે
જ્ઞાનની ધારા જગમાં વહેતી રહે, રાખે ના કાંઈ એ તો ભેદભાવ
પીવાય ધારા એની એ તો પીવે, ખૂટી ના એ તો ખૂટે
તેજની ધારા વહેતી ને વહેતી રહે જગમાં, રાખે ના કાંઈ એ તો ભેદભાવ
કરે ઉપયોગ એના એ કરતા રહે, ખૂટી ના એ તો ખૂટે
કૃપાની ધારા પ્રભુની વહેતી ને વહેતી રહે, રાખે ના કાંઈ એ તો ભેદભાવ
ઝીલી શકે એને, એ તો ઝીલે, ખૂટી ના એ તો ખૂટે
પવન તો જગમાં વાતો રહે, રાખે ના જગમાં કોઈ એ તો ભેદભાવ
ઝીલી શકે એને ઝીલે એને જીવનમાં, ખૂટયો ના એ તો ખૂટે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)