અરે ઓ મુક્તિપંથના યાત્રી, તારા વિકારોને જીવનમાં તો તું ના પડકારી શક્યો
રહ્યો છે હવે બહાના શાને તું શોધતો, વિશાળતામાં વામણો શાને તું બની ગયો
કરવાનું હતું જીવનમાં તો જે, ના તું કરી શક્યો, જીવનમાં અફસોસ એનો તો થયો
શોધી બહાના એના, જાતને શાને તું છેતરી રહ્યો, વિશાળતામાં વામણો શાને તું બની ગયો
અપનાવવા હતા જગમાં સહુને હૈયેથી, ઝેર આંખમાં તો તું શાને ભરી રહ્યો
મારા તારામાં જીવનમાં કેમ તું અટવાઈ ગયો, વિશાળતામાં વામણો શાને તું બની ગયો
ધરવા હાથ તો જગત્પિતા પાસે, માનવી પાસે હાથ શાને ફેલાવતો રહ્યો
જીવનની ખુમારી તારી, કેમ તું એ ભૂલી ગયો, વિશાળતામાં વામણો શાને તું બની ગયો
વાતવાતમાં ક્રોધ ને કાયરતાનું પ્રદર્શન કરતો રહ્યો, અકારણ અન્યને શાને સતાવતો રહ્યો
હાથ દોસ્તીનો ભૂલી, દુશ્મન બનાવતો રહ્યો, વિશાળતામાં વામણો શાને બની ગયો
પ્રેમ જીવનમાં તો જ્યાં તું ઝંખી રહ્યો, ઝેર જીવનમાં શાને તો તું ઓકતો રહ્યો
તારા ને તારા હાથે પ્રગતિ તારી રોકી રહ્યો, વિશાળતામાં વામણો શાને તું બની ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)