નદીના વહેતા પાણી જેવાં રે બનો, જીવનમાં એવા તો બનો
જે આવે એની સંગે, સાથે સાથે એને લઈને, એ વહેતુંને વહેતું રહે
રહે અને વહે ભલે સાથેને સાથે, બની નિર્લેપ એનાથી, એ વહેતું રહે
નીકળી ઉપરથી એ નીચે વહે, એ બંને સ્થિતિમાં, એ તો મસ્ત રહે
કાપો એને કે કરો મસ્તી એની સંગે, એ તો વહેતુંને વહેતું તો રહે
ચડી પવનસંગ મસ્તીએ, મસ્ત બને, પાછું એ તો વહેતુંને વહેતું રહે
છિપાવે તરસ, પીએ એને તો જે, હિસાબ એનો, ઉરમાં એ ના ધરે
ભળી ના શકે જે એમાં, સ્થાન એને તળિયે દે, એ વહેતુંને વહેતું રહે
જેની સંગે એ તો રહે, એવું એ તો બને, પાછું એ તો વહેતું ને વહેતું રહે
સંગ કે સંગી મળે કે ના મળે, મુસાફરી એની ના અટકે, એ તો વહેતુંને વહેતું રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)