પૂરા પરિચિત તારાથી થયા નથી, તોયે અમારાથી તું અજાણ્યો નથી
ખામીઓને ખામીઓ સંગ રમતા રહ્યાં, તને ભૂલ્યા નથી, યાદ તોયે કર્યા નથી
સમજણ જાગે ને વિખરાયે જીવનમાં, પુરું સમજ્યા નથી, સમજણ વિના રહ્યાં નથી
જીવનની પોથીમાં રહ્યાં એકડા ઘૂંટતા, અજ્ઞાની રહ્યાં નથી, જ્ઞાની તોયે બન્યા નથી
જીવનમાં કોઈને પોતાના બનાવ્યા નથી, જગમાં તો એ કોઈના બની શક્યા નથી
વેરી જીવનમાં ભલે બન્યા નથી, સાથીદાર જીવનમાં તો એ રહ્યાં નથી
દુઃખદર્દના દર્દી ભલે બન્યા નથી, જીવનમાં દર્દ વિના તોયે એ રહ્યાં નથી
જીવનમાં પ્રેમના પુષ્પો ભલે ખીલ્યા નથી, જીવનમાં પ્રેમવિહોણા તોયે રહ્યાં નથી
સપના જીવનમાં સર્જાયા વિના રહ્યાં નથી, જીવનમાં સપના કોઈ તો, ટક્યા નથી
સુખને વધાવ્યા વિના તો રહ્યાં નથી, દુઃખ પર દૃષ્ટિ નાંખવા કોઈ તૈયાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)