વાતોને વાતો બ્રહ્માંડની કરો છો, પગ તળેની ધરતીને ના કદી જુવો છો
સપનાને સપનામાં નીત્ય ફરો છો, આસપાસ નજર તો નાંખવી ભૂલો છો
અન્યના પૈસે માલેતુજાર રહો છો, ચૂકવણી ટાણે શાને મોં છુપાવો છો
રોગે રોગે તો વૈદ બદલો છો, શાને રોગને તો વફાદાર રહો છો
કરી વ્યર્થ દોડધામ જીવનમાં, શાને જીવનમાં પાત્રને તો આંસુથી ભરો છો
કરી કરી અપમાન અહંને પોષો છો, છાને ખૂણે આંસુ શાને પાડો છો
રહ્યાં છે કામ તો અધૂરાને અધૂરા, વાતોમાંથી નવરાશ ના તોયે કાઢો છો
વીતી રહ્યું છે જીવન તો આમ જગમાં, શાને લક્ષ્યમાં એને તો ના રાખો છો
જાતને સત્યથી દૂરને દૂર રાખો છો, લાલચ આગળ તો શાને લળી પડો છો
સૂધર્યા નથી જીવનમાં તો જ્યાં, ઉપદેશ તો શાને દેતાને દેતા ફરો છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)