અમથોને અમથો, રહે ભટકતો જીવનમાં અમથાલાલ, કરે ના એ કાંઈ
કારણ વિના પણ કરે ઝઘડા ઊભા, ના લેવા-દેવા એમાં એને રે કાંઈ
રહે એ ભટકતો જાય એ જોતો, કરે પંચાત એની, વળે ના એમાં એનું કાંઈ
રાત દિન રહે એ ભટકતો, બેસે ના ઠરીઠામ થઈને એ તો ક્યાંય
જોવા ને જાણવામાંથી આવે ના એ ઊંચો, કરે ના તોયે એ તો કાંઈ
વર્તે જાણે, જાણે એ બધું કક્કાથી વિશેષ જાણે ના એમાં એ તો કાંઈ
કોણે શું કર્યું, શું ના કર્યું, ખબર રાખે બધી, કરે ના પોતે તોયે કાંઈ
ગામગપાટા ને ગામ કૂથલી, પ્રિય વિષય એનાં, વિતાવે સમય એમાં રે ભાઈ
ભરાયા ના હાથ એના એમાં કદી, ખાલીને ખાલી રહ્યો એમાં અમથાલાલ
ફરક નથી એનામાં કે આપણામાં, ભલે હોય એ તો અમથાલાલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)