સંસાર સાગરના તોફાનમાં, સુખનો કિનારો કેમ નથી દેખાતો
રહ્યાં છે અનેક મોજાંઓ ઊછળતાં, પડે ઝીલવાં અનેક મોજાંના ઉપાડો
છે ભલે એ ખારાશ ભરેલો, પડશે ખોદવો, મીઠા જળનો વીરડો
રહે છે ખુદની મસ્તીમાં તો મસ્ત, રહે છે એમાં જો ઊછળતો ને ઊછળતો
ઊછળે જ્યાં સ્વાર્થનાં મોજાં હૈયાંમાં, ના કિનારાને તો એ ભેટી શક્યો
કરતાં સામનો જીવનમાં જ્યાં એ થાક્યો, ઓટ બનીને પાછો એ ફર્યો
ઉમંગનાં મોતી પકવ્યાં જ્યાં હૈયે, હાર પહેરીને એના એ તો ઊછળ્યો
ઊછળી ઊછળી ખૂબ હૈયામાં, સુખના કિનારે તો, ના તોય એ પહોંચ્યો
પ્રેમનાં આંસુંઓ બની મોતી વહ્યા નયનોથી, કિનારા નજદીક ત્યાં પહોંચ્યો
થાતા રહ્યા હૈયાના મિલન તો જ્યાં એમાં, સુખનો કિનારો ત્યાં દેખાયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)