ભરી મહેફિલમાં મહેફિલ જામતી ગઈ, વેરાયાં શબ્દોનાં ફૂલો, સુવાસ ફેલાવતી ગઈ
હૈયાના કોઈ ખૂણે છુપાયેલા ભાવોને, એ તો એમાં એને છંછેડતી ગઈ
યાદો ને યાદો આંખ સામે જાગી ગઈ, જ્યાં મીઠી યાદને તો એ સ્પર્શી ગઈ
કર્યાં શબ્દો વહાવનારે ખાલી હૈયાં એનાં, અન્યનાં હૈયાં એમાં એ ભીંજવી ગઈ
હતી રંગભરી રાતોની ને જવાનીની વાતો, હૈયામાં જુવાની પાછી એ લાવી ગઈ
શબ્દોની સંગતમાં મ્હાલી કુદરતની રંગત, હૈયાને એ રંગત એના રંગમાં રંગી ગઈ
હતાં ભાવોનાં પૂરો એમાં તો એવાં, દિલને એ, એમાં ને એમાં તો તાણી ગઈ
પ્રેમને મળી શબ્દોની સંગત, હૈયામાં તો સહુના પ્રેમની જ્યોત પ્રગટાવી ગઈ
હતાં કંઈક રંગીન સપનાં તો એમાં, હૈયામાં ખ્વાબ એનાં તો એ રચાવી ગઈ
થઈ કદી આંખો ભીની, કદી હૈયાં ભીનાં એની રંગતમાં તો જ્યાં એ રંગી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)