વરસતા વરસાદને વ્હાલ ઊપજ્યું, મારા અંગેઅંગ સાથે મસ્તી કરી ગયું
એના આલિંગને આલિંગનમાં, શરીર મારું તો એવું તરબોળ બન્યું
આંખની રે પાંપણમાંથી ટપકતાં બિંદુઓમાંથી કિરણોએ મેઘધનુષ રચ્યું
વહેતા ઠંડા વાયરાને પણ, છેડતી કરવાનું મન, એમાં તો થયું
કંપાવીને શરીરને તો એમાં, વેરના અટ્ટહાસ્યનું પ્રદર્શન તો કર્યું
કરી ગડગડાટ નભમાં, વીજળીના તેજે તેજે, મુખના ભાવોનું દર્શન કર્યું
નભમાં ચમકતી વીજળીએ, વર્ષાબિંદુઓમાં ઝળહળતા અનેક દીવાનું દર્શન કરાવ્યું
છેડી વર્ષાએ અનેક સરગમો, એના ધ્વનિએ ધ્વનિએ તો સંગીત છેડયું
કરી ધરતીને તો ભીની ભીની, ધરતીની અંતરની મીઠી ફોરમ પ્રસરાવી રહ્યું
વરસતા વરસાદને જ્યાં વ્હાલ ઊપજ્યું, અનેક રીતે પ્રદર્શન એણે કર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)