છીએ અમે એકડા વિનાના રે મીંડા, તારા વિના તો અમે કાંઈ નથી
છીએ તારી ચાવીથી ચાલતા પૂતળા, તારી ચાવી વિના અમે ચાલતા નથી
તારી શક્તિ વિના છીએ મડદા અમે, પ્રભુ તારા વિના અમે કાંઈ નથી
છતી આંખે છીએ અંધ અમે, તારી દૃષ્ટિ વિના સાચું અમે જોઈ શકતા નથી
અધિકાર વિનાના છે અધિકાર અમારા, અહંમાં રાચ્યા વિના અમે રહ્યાં નથી
કૂડકપટથી છે ભરેલા હૈયાં અમારા, જીવનમાં ખાલી અમે એને કર્યા નથી
અહં વિનાના છે તમારા એકડા, અહંના છે અમારા મીંડા, સંખ્યા વધાર્યા વિના રહ્યા નથી
હરેક વાતે અમે રહ્યાં અમને નડતા, તારા વિના દૂર એ અમે કરી શક્યા નથી
સંખ્યાએ સંખ્યાએ રહ્યાં માથું ફોડતા, તારા વિના સંખ્યા તો કરી શક્યા નથી
તું જો પ્રભુ એકડો નથી, તો અમે મીંડા નથી, તારા વિના તો અમે કાંઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)