કર્મોની મંડાણી છે જીવનમાં તો હાટડી, કોઈ પાપ ખરીદે, કોઈ પુણ્ય ખરીદે
રહ્યાં છે સહુ ખરીદતાંને ખરીદતાં, મળશે ઉપાધિ વિચાર વિના જે ખરીદે
આવ્યા છે લઈ લઈ સહુ કર્મોની પોટલી, જાણે ના ભર્યું છે શું એમાં કોઈ
કરે ખાલી થોડું થોડું, ભરે એમાં ઝાઝું, રહ્યાં છે ફરતા, ભાર એનો તો ઊંચકી
પાપપુણ્યની તો પોટલી, પડશે સહુએ તો, પોતપોતાની તો ઊંચકવી
થાશે ના સહન ભાર જ્યાં એનો જીવનમાં, જાશે જગમાં એમાં એ તો તૂટી
પડશે કરવી ખાલી, પોતે ને પોતે તો એને, કરી ના શકશે કોઈ બીજો એને ખાલી
પડશે કરવી જીવન યાત્રા પૂરી એણે, લઈ લઈ ભારે કે હલકી પોટલી ઊંચકી
જીવન છે એનું, પોટલી છે એની, રહ્યો છે પાડતો બૂમો તોએ એ એની
સમજ્યા વિના કરી ખરીદી, આખર તો પડી છે એણે ને એણે એને ઊંચકવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)